સમય કોઈના માટે નથી રોકાતો... તે આપણે જાણીએ છીએ. ક્ષણ દુખનો હોય કે ખુશીનો હોય તે વીતિ જાય છે. અનેક લોકો ભવિષ્યની ચિંતામાં વર્તમાનને બગાડી દેતા હોય છે. વર્તમાનના ક્ષણને માણવાની જગ્યાએ તે વ્યક્તિઓ કાં તો ભૂતકાળમાં જીવે છે અથવા તો ભવિષ્યમાં જીવે. આપણા જીવનમાં એક ક્ષણની ખુબ મહત્તા છે. એક ક્ષણમાં આપણને દુખી થઈ જતા હોઈએ છીએ તો બીજા ક્ષણમાં આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના -
ઉત્સાહનો એક શબ્દ કહેતાં
ઉત્સાહનો એક શબ્દ કહેતાં
માત્ર એક જ ક્ષણ લાગે છે;
ઝરતા આંસુને લૂછવા માટે
માત્ર એક જ ક્ષણ લાગે છે;
મદદ માટે હાથ લંબાવતા
માત્ર એક જ ક્ષણ લાગે છે;
સમજવાનો પ્રયત્ન કરવા
માત્ર એક જ ક્ષણ લાગે છે;
મિત્ર મેળવતાં ને તેને જાળવતા
માત્ર એક જ ક્ષણ લાગે છે;
કોઇ ભાંગેલા હૈયાને સાંધતા
માત્ર એક જ ક્ષણ લાગે છે;
કોઇનો દિવસ ઉજાળતાં
માત્ર એક જ ક્ષણ લાગે છે;
તો પછી, આ જ ક્ષણને જડી દ્યો
… તે સરકી જાય તે પહેલાં.
– ફિલિપ સી. માઇકેલ (અનુ. જગદીશ જોષી)