આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. લાગણીઓના મહેલોથી તેમની જીંદગી હોય તેવી ઈચ્છા દરેકના મનમાં હોય છે. એવી દુનિયા જોઈએ જ્યાં દ્વેષ ના રોગ, ગુસ્સો ના હોય માત્ર ખુશીઓ જ ખુશીઓ હોય.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન... આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો...
મેં એક સ્વપ્નની દુનિયા બનાવી હતી
લાગણીઓના મહેલોથી એને સજાવી હતી
સુખ દુ:ખની ઈંટોથી બન્યા હતા દરેક ઘર,
ને હાસ્ય એ દરેક ઘરની ચાવી હતી
રાગ-દ્વેષની ભાવનાથી પરે હતા સૌ કોઈ
મેં ખુશીઓને ત્યાં રહેવા માટે મનાવી હતી
પર્વતો, દરિયા, નદીઓને લીલાછમ ઉપવનો
મેં કુદરતની દરેક સુંદરતા એમાં સમાવી હતી
તૂટ્યું સ્વપ્નને જાણે તૂટી ગઈ એ દુનિયા પણ
કારણ કે એમાં પણ માનવજાત બનાવી હતી..