ઈશ્વરને, પ્રભુને ક્યારેય આપણે પત્ર લખ્યો છે? જ્યારે જ્યારે મન ઉદાસ હોય, મનમાં અનેક મુંઝવણ હોય ત્યારે સલાહ લેવા કોની પાસે જાવ છો? કહેવાય છે પ્રભુ પાસે દરેક સવાલના જવાબ હોય છે.. આપણે પૂછેલા પ્રશ્નોનો ઉત્તર તે પોતાની રીતે, સાવ અલગ રીતે આપે છે પરંતુ તે જવાબ આપે છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના પ્રભુને કાગળ... આ રચના કોની છે તેની અમને જાણ નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..
આજ પ્રભુને એક કાગળ લખ
એમાં સુખ દુ:ખને આગળ લખ
આંસુમાં બોળેલી ઝાકળ લખ
થોડી તારા મનની અટકળ લખ
તારા અસ્તિત્વના કારણ લખ
જીવનમાં આવતા મારણ લખ
તારી અભિલાષાના તારણ લખ
તારી જિજ્ઞાસાના ઉદાહરણ લખ
મનના અગણિત પ્રશ્નોનું નામું લખ,
એકાદ તો નામજોગ કારનામું લખ
બધુ પતે એટલે એક સરનામું લખ
લે લખાવું તારૂં પોતાનું મન.. લખ