આપણને બીજા સાથે વાત કરતા આવડે છે પરંતુ જાત સાથે કેવી રીતે વાત કરવી તે આપણને નથી આવડતું. આપણે બીજાને પૂછીએ છીએ કે તબિયત કેવી છે, જીંદગી કેવી ચાલે છે પરંતુ આપણે પોતાની જાતને નથી પૂછતા કે દોસ્ત તું કેમ છે? જવાબદારીઓના બોજ તળે જીંદગી કેવી ચાલે છે તે નથી પૂછતા.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - રોજ પૂછે સૌ કોઈ.. આ રચના કોની છે તે અમને ખબર નથી અને જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..
રોજ પૂછે સૌ કોઈ, બાકી કેમ ચાલે છે?
આજે મારે મને પૂછવું છે, કેમ ચાલે છે?
ખબર અંતર જાતની પૂછી ખુદને મળવું,
અંદર ઝાંકી દિલને પૂછવું, કેમ ચાલે છે?
એક ઘર છોડ્યું અને એક ઘર સંભાળ્યું,
જવાબદારીઓના બોજ તળે, કેમ ચાલે છે?
હતી બૌ અલ્લડ તું તો ઉછળકુદ કરતી,
સુવર્ણ ભીનો પાલવ પૂછે છે, કેમ ચાલે છે?
સવાલ પોતાના અને જવાબ પણ પોતાના
કહીને કોઈને શું કરવાનું કે કેમ ચાલે છે?