કહેવાય છે કે જેમ જેમ મોટા થઈએ તેમ તેમ આપણા જીવનમાં અનેક પરિવર્તન આવે છે. પહેલા નાના હોઈએ ત્યારે આપણા કપડા આપણી મમ્મી નક્કી કરતી. આપણે શું ખાઈશું તે પણ મમ્મી નક્કી કરતી. પરંતુ જેમ જેમ મોટા થઈએ છીએ તેમ તેમ બધુ બદલાતું હોય છે. કોલેજના મિત્રો સાથે જે પહેલા આપણે સમય વીતાવતા હતા તે આજે ઓફિસ colleagues સાથે વિતાવીએ છીએ.
નોકરી બાદ જીવનમાં આવે છે અનેક પરિવર્તન!
સાહિત્યના સમીપમાં આજે એક એવી રચના જે વાંચ્યા બાદ કદાચ તમારા મનમાં પણ વિચાર આવશે કે યાર જીવન કેટલું બદલાઈ ગયું છે. નોકરીથી જિંદગીમાં કેવા અને કયા વળાંકો આવે છે તે અહીંયા દર્શાવવાની કોશિશ કરી છે. આ રચના કોની છે તે ખબર નથી પરંતુ જો તમને ખબર હોય તો અમને નીચે કમેન્ટમાં જણાવો...
એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો!
અરે માણસ, માણસ મટીને મશીન કેમ બની ગયો..?
દિલના તાર તોડીને કોમ્પ્યુટરના તાર જોડી બેઠો..!
એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો!
શાનદાર નોકરીના ધંધાદારી જીવનમાં આવી ગયો!
પણ કોલેજની સ્વૈરવિહારી જિંદગી ક્યાં ગઈ?
ઝીણાં ખિસ્સા ખર્ચમાંથી પગારની મોટી રકમ પર આવી ગયો,
પણ આનંદમાં ઘટાડો કેમ થયો?
થોડાંક સ્થાનિક જીન્સ પરથી ઘણાં બ્રાન્ડેડ જીન્સ કબાટમાં આવી ગયા,
પણ તે પહેરવા માટે વ્યક્તિઓ ઘટી કેમ ગયા?
સમોસાની નાનકડી પ્લેટ પરથી મોટા પીત્ઝા કે બર્ગર આવી ગયા,
પણ ખાવાની ભૂખ કેમ ઘટી ગઈ?
રાત્રે ઓફિસમાં બેઠો બેઠો વિચારી રહ્યો છું કે,
એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો!
કાયમ રીઝર્વમાં રહેતી બાઈકની પેટ્રોલ ટાંકી, આજકાલ ફૂલ થઈ ગઈ
પણ, ફરવાની જગ્યાઓ કેમ ખૂટી ગઈ?
ચાની કીટલીનું સ્થાન કાફે કોફી ડે એ લઈ લીધું,
પણ, તે પહોંચની બહાર કેમ થઈ ગઈ?
મોબાઈલનું પ્રિ-પીઈડ કાર્ડ હવે પોષ્ટપેઈડ થઈ ગયું
પણ, કોલની સંખ્યા ઘટીને એસએમએસની સંખ્યા વધી કેમ ગઈ ?
રાત્રે ઑફીસમાં બેઠોબેઠો વિચારી રહ્યો છું કે,
એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો !
જનરલ ડબ્બાની મુસાફરીનું સ્થાન હવાઈ મુસાફરીએ લઈ લીધુ
પણ, એંજોયમેંટ માટેના વેકેશન કેમ ઓછા થઈ ગયા ?
એસેમ્બલ કરેલા પીસીનું સ્થાન આધૂનિક લેપટોપે લઈ લીધું
પણ, તેના પર બેસવાનો સમય ઘટી કેમ ગયો ?
કોલેજના મિત્રોની ટોળીનું સ્થાન ઑફીસના સહ કર્મચારીએ લઈ લીધું
પણ, શા માટે એકલતા અને તે મિત્રોની ખોટ સાલે છે ?
રાત્રે ઑફીસમાં બેઠોબેઠો વિચારી રહ્યો છું કે,
એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો !