આપણામાંથી અનેક લોકો એવા હશે જે પૈસાને પરમેશ્વર માનતા હશે. પૈસાદાર લોકો સાથે જ સંબંધો રાખવાનું પસંદ કરે છે... જે લોકો પાસે ઓછા પૈસા હોય છે અથવા તો ગરીબ હોય છે તેમની સાથે સંબંધો રાખવામાં તેને interest નથી હોતો... પરંતુ અનેક લોકો એવા હોય છે જે પ્રકૃતિને જ ઉચ્ચ સ્થાન આપે છે... પ્રકૃતિ સાથે તે જોડાયેલા હોય છે.. એવા માણસોને મળવાનું પસંદ કરે છે જે દિલના સાફ હોય છે.... ઈશ્વર પર ભરોસો રાખતા હોય છે... રોજનું ઈશ્વર પૂરું કરાવે છે તેનો તે આભાર માનતા હશે... સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મકરંદ દવેની રચના... આ રચના અનેક લોકોને ખબર હશે....
કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?
કાં ભૂલી જા મન રે ભોળા! આપણા જુદા આંક.
થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ?
ઉપરવાળી બેન્ક બેઠી છે આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ.
ધૂળિયે મારગ કંઈક મળે જો આપણા જેવો સાથ,
સુખ-દુઃખોની વારતા કહેતા, બાથમાં ભીડી બાથ.
ખુલ્લાં ખેતર અડખે-પડખે માથે ભીડી આભ,
વચ્ચે એવું ગામડું બેઠું ક્યાં છે એવો લાભ?
સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત,
દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત.
માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,
નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ.
- મકરન્દ દવે