ઈશ્વરની ઈચ્છા મુજબ આખી દુનિયા ચાલે છે, હરિ જે કરે તે સારા માટે જેવા વાક્યો આપણે અનેક વખત સાંભળ્યા હશે.. ઘણી વખત એવું બને કે આપણે જે ધાર્યું હોય તેવું ના બને.. ધાર્યા પરિણામ ના આવે.. કંઈ સારૂં જ લખાયું હશે થવાનું તે આપણે માની લેતા હોઈએ છીએ.. કૃષ્ણને અનેક લોકો માનતા હોય છે.. આ એક એવા ભગવાન છે જેમની પૂજા અલગ અલગ સ્વરૂપોમાં થાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દયારામની રચના.. આ એવી રચના છે જે અનેક લોકોને આવડતી હશે અને અનેક વખત તમે પણ બોલતા હશો..
ચિત્ત તું શીદને ચિંતા ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે..
સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;
સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે ..
કૃષ્ણને કરવું હોય તે કરે...
નવ માસ પ્રાણી શ્રીકૃષ્ણનું, ધ્યાન ગર્ભમાં ધરે;
માયાનું આવરણ કર્યું ત્યારે, લખ ચોરાશી ફરે ..
કૃષ્ણને કરવું હોય તે કરે...
તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે ?
ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે ..
કૃષ્ણને કરવું હોય તે કરે...
દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરે ..
કૃષ્ણને કરવું હોય તે કરે...
થનાર વસ્તુ થયા કરે, જ્યમ શ્રીફળ પાણી ભરે;
જનાર વસ્તુ એણી પેરે જાશે, જ્યમ ગજ કોળું ગળે .. કૃષ્ણને કરવું હોય તે કરે...
જેનું જેટલું જે જ્યમ કાળે, તે તેને કર ઠરે;
એમાં ફેર પડે નહીં કોઇથી, શીદ કુંટાઇ તું મરે ..
કૃષ્ણને કરવું હોય તે કરે...
તારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે;
આપતણું અજ્ઞાનપણું એ, મૂળ વિચારે ખરે ..
કૃષ્ણને કરવું હોય તે કરે...
થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે ..
કૃષ્ણને કરવું હોય તે કરે...
- દયારામ