અનેક લોકો જમતા પહેલા અન્નને પ્રણામ કરતા હોય છે, પ્રાર્થના કરતા હોય છે.. ઈશ્વરનો આભાર માનતા હોય છે કે તેમની કૃપાથી આપણને અન્ન પ્રાપ્ત થયું.. ઈશ્વરનો તો આભાર માનવો જ જોઈએ પરંતુ સાથે સાથે એ ખેડૂતનો આભાર પણ માનવો જોઈએ જેમની મહેનતને કારણે આપણી થાળીમાં અન્ન આવ્યું છે.. અનેક કિસ્સાઓ આપણે જોયા હશે જેમાં લોકોનું પેટ ભરનાર ખેડૂતને ભૂખ્યા રહેવાનો વારો આવતો હોય છે... તેમના પરિવારના સભ્યોને ભૂખ્યા પેટે ઉંઘવાનો વારો આવતો હોય છે.. એક પાક પાછળ ખેડૂત પોતાનું સર્વસ્વ લગાવી દેતા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે જગતના તાતને સમર્પિત રચના... જો તમને ખબર હોય આ રચના કોની છે તો અમને કમેન્ટબોક્સમાં જણાવજો...
જેનાં ધૈર્ય, શૌર્ય, સંયમ, પરિશ્રમની કુદરત સદા કરે કસોટી
હે જગતાત વંદુ તવ ચરણે, પુત્ર તું પનોતો ધરતી કેરું રતન
પોઢેલું હોય જગત નિંદ્રામાં ભલે, તુજને નિત વહેલી પરોઢ
દિવાકરનાં રથલાની ગતિ માપવાં હળધરનાં હળ કરે ગમન
કંકર, પથ્થર, ધૂળને ઢેફા, કંટક કેરી કેડીઓ ચૂમે તવ ચરણ
ઉપજાવતો લીલું સોનુ માટી માંહેથી રગદોળી નિજનું તન
અન્નદાતા તું અમારો, વિપરીત પરિસ્થિતિમાં તું અમ આધાર
પાડી નિજ પરસેવો કરતો સદા પૃથ્વી તણાં બાળ કેરાં જતન
તવ પરિશ્રમે ધરણી લીલી ઓઢણી ઓઢી કરે કેવી કિલ્લોલ
હરી ભરી હરિયાળી તવ બળે 'દીપાવલી' ખેડૂતને કરે નમન