જેમ જેમ આપણે એડવાન્સ થઈ રહ્યા છીએ તેમ તેમ આપણી માતૃભાષાના અનેક શબ્દો પાછળ છૂટી રહ્યા છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. ઈન્ગલિશ ભાષાનું પ્રભુત્વ ધીરે ધીરે વધી રહ્યું છે.. ગુજરાતીમાં આપણે ત્યાં અલગ અલગ સંબોધો માટે અલગ અલગ ઉપમા હોય છે પરંતુ ઈન્ગલિશમાં દરેક માટે એક જ શબ્દ વપરાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - બધુ તણાઈ ગયું..
આવો ગયું,
પધારો ગયું
અને નમસ્તે પણ ગયું,
"હાય" અને "હેલ્લો" ના હાહાકારમાં,
સ્નેહ ભીના શબ્દો ગયા.
મહેમાન ગયા,
પરોણા ગયા,
અને અશ્રુભીના આવકાર પણ ગયા,
"વેલ કમ" અને "બાય બાય" માં
લાગણીઓ તણાઈ ગયા.
કાકા ગયા,
મામા ગયા,
માસા ગયા,
અને ફુવા પણ ગયા,
એક "અંકલ" ના પેટમાં
એ બધા ગરકાવ થયા.
કાકી, મામી,
માસી, ફોઈ,
ને સ્વજનો વિસરાઈ ગયા,
એક "આંટી" માં બધાં સમાઈ ગયા.
કુટુંબ નામનો માળો તૂટ્યો,
પંખી બધા વેરવિખેર થયા,
હું ને મારા માં
બધા જકડાઈ ગયા.
હાલરડાંના હલ્લા ગયા,
લગ્નના ફટાણા ગયા,
ડીજે ને ડિસ્કોના તાન માં
બધા ગરકાઈ ગયા.
આઈસ્ક્રીમના આડંબરમાં
મીઠા ગોળ ને ધાણા ગયા.
લાપસી ગયા, કંસાર ગયા,
ખીર અને ખાજા ગયા,
"કેક" ના ચક્કરમાં
બધા ફસાઈ ગયા.
માણસ માંથી માણસાઇ
ને સંબંધ ગયા
ને કામપૂરતા માત્ર
મોબાઈલ નંબર રહી ગયા..