જિંદગીને જીવવી ઘણી વખત એટલી સહેલી નથી હોતી જેટલી સહેલી આપણે માનતા હોઈએ છીએ.. ઉતાર ચઢાવ આપણા જીવનમાં આવ્યા કરતા હોય છે. અનેક પ્રકરણો જિંદગીની પુસ્તકોમાં એવા આવી જાય છે કે શું કરવું તેની ખબર ના પડે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મુકેશ જોષીની રચના - જિંદગીને વાંચી છે?
સુખની આખી અનુક્રમણિકા
અંદર દુ:ખના પ્રકરણ
તમે જિંદગીને વાંચી છે?
વાંચો તો પડશે સમજણ
પૂંઠાં વચ્ચે પાનાં બાંધ્યા, જેમ ડચૂયા બાઝે
પથ્થરના વરસાદ વચાળે
કેમ બચાવો દર્પણ..
તમે જિંદગીને વાંચી છે?
હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવાલાયક
તમે ફેરવો પાનાંને, એ પુસ્તકોમાંથી ગાયબ
ફાટેલા પાનાંનાં જેવા
ફાટી જાતાં સગપણ..
તમે જિંદગીને વાંચી છે?
આ લેખક પણ કેવો, એને દાદ આપવી પડશે
લખે કિતાબો લાખે, પણ ના નામ છપાવે કશે
હશે કદાચિત લેખકજીને
પીડા નામે વળગણ..
તમે જિંદગીને વાંચી છે?
- મુકેશ જોષી