અનેક લોકોના મોંઢે તમે સાંભળ્યું હશે કે મોંઘવારી વધી ગઈ છે. વડીલોને કહેતા સાંભળ્યું હશે કે પહેલા આટલા રૂપિયામાં તો અનેક વસ્તુઓ આવી જતી હતી અને હવે તો... જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થવાને કારણે લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. અનાજ પણ મોંઘું થઈ ગયું છે. ભણતર પણ મોંઘું થઈ ગયું છે.
એવી મોંઘવારી છે...
ત્યારે સાહિત્યના સમીપમાં આજે મોંઘવારીને લઈ એક રચના પ્રસ્તુત કરવી છે. એક સમય હતો જ્યારે દસ રૂપિયાની ચ્હામાં અનેક લોકો ચ્હા પી શક્તા હતા પરંતુ હવે દસ રૂપિયાની ચ્હામાં એક કપ ભરાય તો પણ સારૂ ગણવામાં આવે છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી પણ મોંઘી થઈ ગઈ છે. દાળ ચોખા પણ મોંઘા થઈ ગયા છે.
કમર પણ વાંકી વળી જાય એવી મોંઘવારી છે
અને છકકાયે છૂટી જાય એવી મોંઘવારી છે
મળે છે પાંચ રુપિયામાં અડધી ચાયની પ્યાલી
તમારા હોઠ પણ ના ખરડાય એવી મોંઘવારી છે
ગરીબો માટે રોટલા સાથે ખાવા દાળ પણ ક્યાં છે?
બિચારાપાણીમાં બોળી ખાય એવી મોંઘવારી છે
બસો રુપિયાની મોંઘી ઓઢણી લાવી નથી શકતા
હવે ઘરવાળી પણ રીસાય એવી મોંઘવારી છે
નથી સોનું કે ચાંદી ઘરમાં તો પણ ચેતતા રહેજો
હવે તો ખાંડ પણ ચોરાય એવી મોંઘવારી છે
ખીલેથી ભેંસ ગુમ થઈ જાય, ખોખામાંથી મરઘી પણ
તમારૂં બકરૂં કાપી ખાય એવી મોંઘવારી છે
જુઓને પ્યાજ પણ કેવા થયા છે મોંઘા મુન્શીજી
હવે એ કસ્તુરી કહેવાય એવી મોંઘવારી છે...
- મુનશી ટંકારવી