ગુજરાત સંપૂર્ણ રીતે ચૂંટણીના રંગમાં રંગાયું છે.. માત્ર ગણતરીના દિવસો બાદ ગુજરાતની જનતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને પોતાના માટે સરકાર ચૂંટશે.. જ્યારે આપણે નેતાઓ દ્વારા કરવામાં આવતો પ્રચાર જોઈએ ત્યારે નવાઈ પણ લાગે છે... નેતાઓ એક બીજા પર આકરા પ્રહારો કરે છે... અવનવા ખેલ બતાવી મતદારોને રિઝવવા માટે પ્રયત્નો કરવામાં આવે છે.. ભેટીને સાથે ફરતા નેતાઓ એક બીજા સામે બોલતા દેખાય છે... એવા નિવેદનો સામે આવતા હોય છે જે ધર્મ પર, જ્ઞાતિ પર કરવામાં આવતા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચૂંટણી અને નેતાઓને સમર્પિત રચના...
બોલો, ચૂંટણી આવી છે
કેવા કેવા ખેલ લાવી છે?
મદારી પણ અહીં પાછો પડે
જાદુગર પણ કાચો પડે
તેવા અવનવા ખેલ લાવી છે
બોલો, ચૂંટણી આવી છે..
કાલે ભેટીને ફરતા હતા
આજે સામસામે તલવાર તાણી છે
મ્યાન નથી કર્યા શબ્દોને,
જુઓ, કેવી બેઘારી એ વાણી છે?
બોલવું હોય તે બોલવા દો
કરવું હોય તે કરવા દો
આ ગુજરાતની જનતા છે
અને જનતા બહુ શાણી છે
બોલો ચૂંટણી આવી છે
કેવા કેવા ખેલ લાવી છે.