આપણામાંથી અનેક લોકો એવા હશે જેમણે દરિયા-દરિયા કાંઠો બહુ ગમતો હોય છે. દરિયામાં જવું, દરિયા કિનારા પર કલાકો સુધી બેસી રહેવું તે તેમને ગમતું હોય છે. દરિયા કિનારા પર બેસીને મનને અલગ પ્રકારની શાંતિ મળે છે. એમ પણ પ્રકૃતિની સાથે રહીએ તો આપણે પ્રફૂલિત રહીએ છીએ. નદીઓ દરિયામાં મળી જાય છે, પરંતુ દરિયો ક્યાં જાય છે? ત્યારે દરિયાને લઈ ગુજરાતી સાહિત્યમાં લખાયું છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે સમર્પિત છે અમૃત ઘાયલની રચના...
દિવસ આખો દિવસના તાપમાં શેકાય છે દરિયો...
કંઈ તો છે કે જેથી ઊંચોનીચો થાય છે દરિયો,
મને તો આપણી જેમ જ દુઃખી દેખાય છે દરિયો.
દિવસ આખો દિવસના તાપમાં શેકાય છે દરિયો,
અને રાતે અજંપો જોઈને અકળાય છે દરિયો.
કહે છે કોણ કે ક્યારેય ના છલકાય છે દરિયો ?
લથડિયાં ચાંદનીમાં રાત આખી ખાય છે દરિયો.
ખબર સુદ્ધાં નથી એને, ભીતર શી આગ સળગે છે !
નીતરતી ચાંદનીમાં બેફિકર થઈ, ન્હાય છે દરિયો.
પ્રભુ જાણે, ગયો છે ચાંદનીમાં એવું શું ભાળી !
કે એના દ્વારની સામે ઊભો સુકાય છે દરિયો !
જીવન સાચું પૂછો તો એમનું કીકીના જેવું છે,
કદી ફેલાય છે ક્યારેક સંકોચાય છે દરિયો !
ઠરીને ઠામ થાવા એ જ છે જાણે કે ઠેકાણું,
કે જેની તેની આંખોમાં જઈ, ડોકાય છે દરિયો.
બડો ચબરાક છે, સંગ એમનો કરવો નથી સારો,
નદી જેવી નદીને પણ ભગાડી જાય છે દરિયો!
ગમે ત્યારે જુઓ ‘ઘાયલ’ ધૂઘવતો હોય છે આમ જ,
દિવસના શું? ઘડી રાતેય ના ઘોંટાય છે દરિયો !
– અમૃત ‘ઘાયલ’