આપણે કહીએ છીએ કે સમય બહુ બળવાન છે.. આ પછીની ક્ષણ પછી શું થવાનું છે તેની ખબર નથી.. આવતી કાલની ચિંતામાં આપણે આજને માણવાનું ભૂલી જઈએ છીએ.. સામાન્ય રીતે આ રચનામાં ભગવાન રામ તેમજ મહાભારતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ આજે આ કવિતાને સુરતના સંદર્ભમાં જોવી છે..! સુરતમાં મતદાતાઓને હતું કે તેઓ લોકસભા ચૂંટણી માટે મતદાન કરશે પરંતુ આજે તો સુરત લોકસભા બેઠક પર મતદાન વગર સાંસદ મળી ગયા...
થવાનું ના થવાનું કહે, નજૂમી કોણ એવો છે?
ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે!
હતો લંકેશ બહુબળિયો, થયો બેહાલ ના જાણ્યું.
જગત સૌ દાખલા આપે, સવારે શું થવાનું છે?
જુઓ પાંડવ અને કૌરવ, બહુબળિયા ગણાયા છે.
ન જાણ્યું ભીષ્મ જેવાએ સવારે શું થવાનું છે?
થઈ રાજા રમ્યા જૂગટું, ગુમાવ્યું પત્નિ સૌ સાથે,
ન જાણ્યું ધર્મ જેવાએ સવારે શું થવાનું છે?
અરે!થઈ નારી શલ્યા તે કહો શું વાત છાની છે?
જણાયું તે ન ગૌતમથી સવારે શું થવાનું છે?
સ્વરૂપે મોહિની દેખી સહુ જન દોડતાં ભાસે,
ભૂલ્યા યોગી થઈ ભોળા સવારે શું થવાનું છે.
હજારો હાય નાખે છે, હજારો મોજમાં મશગુલ,
હજારો શોચમાં છે કે અમારું શું થવાનું છે?
થવાનું તે થવા દેજે ભલે મનમસ્ત થઈ રહેજે,
ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે?