ગુજરાતી સાહિત્યની જ્યારે વાત આવે ત્યારે અનેક એવા સાહિત્યકારો છે જે દરેકના દિલ, હોઠો પર આવી જાય.. એમની રચનાઓ, એમની કવિતાઓ આપણા મુખે આવી જાય. એવી જ રચનાઓ હોય છે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની.. તેમની એવી ઘણી રચનાઓ છે જે લોકોને યાદ છે, શાળામાં ભણાવામાં આવતી. આજે ઝવેરચંદ મેઘાણીને એટલા માટે યાદ કરવા છે કારણ કે આજે તેમનો જન્મ દિવસ છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની રચના જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા...
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ.
બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ.
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ.
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ.
પિડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ.
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ.
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;