હાલ મોબાઈલનો જમાનો છે.. મોબાઈલમાં લોકો એટલા બધા વ્યસ્ત થઈ જાય છે કે સામે બેઠેલા માણસ સાથે પણ તે વાત નથી કરતો. દરેક વસ્તુ ઈમેલના માધ્યમથી મોકલે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં કવિ ઈમેલની વાત કરી રહ્યા છે. આ કવિતા કોની છે તેની તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જાણ કરજો...
કોઈ દિવસ ઢાઈ અક્ષર ક્યાં લખે ઈ-મેલમાં
દુનિયાભરના વાયરસ એ મોકલે ઈ-મેલમાં
ખાનગી વાતો બધી કરતા રહે એ ફોરવર્ડ
બેવફાઈને નવો રસ્તો મળે ઈ-મેલમાં
હોટ મેલે મળશે અથવા મળશે યાહુ ડોટ પર
મોટા ભાગે બે જ સરનામા હશે ઈ-મેલમાં
જોતજોતામાં પડછાયા દિગંબર થૈ જતા
ક્લિક કરો ને આવરણ સૌ ઉતરે ઈ-મેલમાં
રાતદિવસ અક્ષરો ઘૂંટાય છે કી બોર્ડ પર
સ્પર્શ એના ટેરવાઓનો હશે ઈ-મેલમાં
હા વતનની ધૂળ ખાવા જાઉં પાછો દોસ્તો
પ્લેનની જ્યારે ટિકીટ સસ્તી મળે ઈ-મેલમાં
જોતજોતામાં ગઝલ ઈ-મેલની આવી ચડી
બેઠા બેઠા મોકલું તેને બધે ઈ-મેલમાં
શું કરી શકીએ પછી આદિલ જો સરવર ડાઉન હો?
કાગળો હાથે લખ્યા ક્યાં જૈ શકે ઈ-મેલમા?