જ્યારે ગરીબના દીકરાને જોઈએ છે ત્યારે આપણને દયા આવી જાય છે.. અનકે દિવસોના ભૂખ્યા બાળકો હોય છે જે જમવા માટે તરસતા હોય છે.. ઉપવાસ કરવો જાણે તેમના માટે ફરજ હોય તેવું લાગે છે..બધું નસીબને આધીન છે... કોઈ છોકરાને જન્મતા જ જોહાજલાલી વાળું જીવન મળે છે... હિંચકો હોત, ધ્યાન રાખવા માટે નર્સ હોત..વગેરે વગેરે... સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના....
દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો
એ ઘરમાં તુ જનમ્યું શાને, જે ઘરમાં ઉપવાસ ફરજ છે,
દર્દ વ્યથા પરીતાપ ફરજ છે, ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે .. દૂધને માટે રોતાં બાળક
ત્યાં જન્મત તો પુષ્પ હિંડોળે નર્મ શયનનાં સાધન હોત
મોટર મળતે, ગાડી મળતે, નર્સનાં લાલન-પાલન હોત
સોના-રૂપાના ચમચાથી દૂધની ધારા વહેતી હોત
તું રડતે તો પ્રેમની નદીઓ તોડી કિનારા વહેતી હોત
પણ તારા દુર્ભાગ્ય હશે કે જન્મ લીધો તેં આ ઘરમાં
ફેર નથી જે ઘરમાં ઇન્સાન અને જડ પથ્થરમાં … દૂધને માટે રોતાં બાળક
હાડ ને ચામનાં ખોખામાં તું દૂધનાં વલખાં મારે છે
મહેનત નિષ્ફળ જાતી જોઇ રોઇને અશ્રુ પાડે છે
આ ઘરની એ રીત પુરાણી આદીથી નિર્માઇ છે
મહેનત નિષ્ફળ જાયે છે, નિષ્ફળ જાવાને સર્જાઇ છે
વ્યર્થ રડીને ખાલી તારો અશ્રુ ભંડાર ન કર
મોંઘામૂલા એ મોતીનો ગેરઉપયોગ લગાર ન કર … દૂધને માટે રોતાં બાળક
તન તોડીને જાત ઘસીને પેટ અવર ભરવાનાં છે
શ્રમ પરસેવે લોહી નિતારી મહેલ ઊભાં કરવાનાં છે
એના બદલે મળશે ખાવા ગમ ને પીવા આંસુડા
લાગશે એવાં કપરાં કાળે અમૃત સરખા આંસુડા … દૂધને માટે રોતાં બાળક
ભુખ્યા પેટ ને નગ્ન શરીરો એ તો છે દસ્તુર અહીં
ચેન અને આરામ રહે છે સ્વપ્ન મહીં પણ દૂર અહીં
આ ઘરમાં તો એવી અગણીત વાતો મળવાની
ભુખના દા’ડા મળવાના ને પ્યાસની રાતો મળવાની
આ ઘરમાં ઉપવાસ ફરજ છે, દર્દ વ્યથા પરીતાપ ફરજ છે,
ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે, આ ઘરમાં તું જનમ્યું શાને… દૂધને માટે રોતાં
– શૂન્ય પાલનપુરી