શબ્દો.. બાળી પણ શકે છે અને શબ્દો તારી પણ શકે છે.. જો સારા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તો આપણને ફાયદો થાય છે અને જો ખરાબ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તો તેની કિંમત આપણે ચૂકવવી પડતી હોય છે... અનેક વખત શબ્દો હોવા છતાંય આપણે કહી નથી શક્તા.. શબ્દોનો ભાર લાગે છે... વિચારો પણ સતત આવ્યા કરે છે... અનેક ઘટનાઓ એવી હોય છે જે આપણને યાદ રહી જાય છે.. આપણે તેને ભૂલવાનો પ્રયત્ન કરીએ તો પણ તે યાદ આવી જાય છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રમેશ પારેખની રચના...
શબ્દોના ડાઘુઓએ ઉપાડ્યો છે ભારને,
દફનાવશે ક્યાં જઈને મરેલા વિચારને ?
દર્પણમાં ક્યાંક ગુમ થઈ છે રમેશતા,
શોધ્યા કરું છું શ્વાનની પેઠે ફરારને.
વેચાય છે બજારમાં ગજરાઓ ફૂલના,
દિવસો ય વાજબી છે, ખરીદો બહારને.
ઘટનાને હોત ભૂલી શકાવાનાં બારણાં,
તો કોણ ખોલવાનું હતું બંધ દ્વારને ?
જેને જવું’તું શબ્દની સીમા અતિક્રમી,
રોશન કરે છે આજ એ પસ્તીબજારને.
ગઈકાલે સનસનાટીભર્યું શું બની ગયું ?
ભીની હજુ છે, ખોદી જુઓને, મજારને….
— રમેશ પારેખ