ગુજરાતમાં ચોમાસાની પધરામણી થઈ ગઈ છે.. અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થઈ ગયું છે. વરસાદ જ્યારે આવે છે ત્યારે માટીની સુગંધ કંઈ અલગ હોય છે.. ચોમાસું અનેક લોકોને ગમતું હોય છે.. વરસાદમાં પલળવું ગમતું હોય છે.. બારીમાંથી ઝરમર ઝરમર વરસાદ જોવાની મજા જ કંઈક જૂદી હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના ચોમાસું આસપાસ છે..
આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે,
ગાલ ઉપર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !
કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં અષાઢી સાંજ એક માંગી
વરસાદી વાર્તાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે, ચોમાસું ક્યાંક આસપાસ છે.
કોરપની વેદના તો કેમેય સહેવાય નહીં, રુંવે રુંવેથી મને વાગે
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે
નસનસ આ ફાટીને વહેવા ચહે છે આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે .. મારું ચોમાસું
આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !
– તુષાર શુક્લ