જ્યારે કોઈ અદ્ભૂત રચના આપણે વાંચીએ છીએ ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે કવિને આવા શબ્દો મળે છે ક્યાંથી.. કેટલો અનુભવ હશે, કેટલી દુનિયા તેમણે જોઈ હશે.. શબ્દો દ્વારા તે આપણને એક પ્રવાસ પર લઈ જાય છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના...
નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે,
ફકીર લોક જમાનાની ચાલ સમજે છે.
પરંતુ કહેવાની લઝ્ઝત જવા નથી દેવી,
મને ખબર છે કે એ મારો હાલ સમજે છે.
સિતમ છે એ કે હૃદયની જો વેદના કહીએ,
જમાનો એને કવિનો ખયાલ સમજે છે.
આ ભેદ ખોલશે એક દિન ખુદાપરસ્ત કોઈ,
કે કોણ કોને અહીં પાયમાલ સમજે છે ?
હસીખુશીથી જે વાતો નિભાવું છું તેથી,
આ લોક મારા હૃદયને વિશાલ સમજે છે.
મળે તો એમની આશાને સો સલામ કરું,
કે વર્તમાનને પણ જેઓ કાલ સમજે છે.
અમે એ જોઈને દિલની વ્યથા નથી કહેતા,
કે એને ઐશની દુનિયા સવાલ સમજે છે.
તને બતાવી શકે કોણ ઉડ્ડયનની કલા,
કે તું હવાને શિકારીની જાલ સમજે છે !
મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.
ખબર ખુદાને કે જન્નતમાં દુ:ખ હશે કેવાં !
કે ત્યાંના લોક મદિરા હલાલ સમજે છે.
ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,
આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે.