જ્યારે કોઈને ના પાડવાની આવે છે તે કામ સૌથી અઘરૂં સાબિત થાય છે અનેક લોકો માટે.. શું કહીને ના પાડવી તેની મુંઝવણ હોતી હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના હું ક્યાં કહું છું આપની...જો તમે ગુજરાતી રચનાના, ગઝલ, મુક્તક કે નજમના શોખીન હશો તો તમે આ રચના સાંભળી જ હશે...
હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ;
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.
પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.
એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઇએ.
આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,
હમણાં ભલે કહું છું દવા હોવી જોઇએ.
મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.
ઝાહેદ આ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ,
એમાં જરાક જેવી મજા હોવી જોઇએ.
પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઇએ