ઘરને આપણે સ્વર્ગ માનીએ છીએ..બહાર જઈ ત્યાં ઘરની યાદ આવે છે.. થોડા દિવસ સુધી તો બહાર ગમે છે પરંતુ તે બાદ ધીમે ધીમે ઘરની યાદ આવવા લાગે છે.. જ્યારે ઘરે પહોંચીએ છીએ ત્યારે જે આનંદની અનુભુતિ થાય છે તે શબ્દોમાં વર્ણવી ના શકાય.. ઘર સાથે અનેક યાદો જોડાયેલી હોય છે. ઘરએ હોય જ્યાં નાનપણ વિતાવ્યું હોય. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે માધવ રામાનુજની રચના એક એવું ઘર મળે આ વિશ્વમાં...
એક એવું ઘર મળે આ વિશ્વમાં
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું
એક એવું આંગણું કે જ્યાં મને
કોઈ પણ કારણ વગર શૈશવ મળે !
એક બસ એક જ મળે એવું નગર
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;
’કેમ છો?’ એવુંય ના કહેવું પડે
સાથ એવો પંથમાં ભવ ભવ મળે !
એક એવી હોય મહેફિલ જ્યાં મને
કોઈ બોલાવે નહિ ને જઈ શકું !
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે
પાનખરના આગમનને રવ મળે !
તોય તે ના રંજ કૈં મનમાં રહે-
અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…..
– માધવ રામાનુજ