દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે. જેવી પરિસ્થિતિ તેવી ધર્મની વ્યાખ્યા. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના ભાવના ખૂભ્યા.. આ રચના કોની છે તેની જાણ નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..
જેને ઈશ્વરે આજે માણસ બનાવ્યો
તેણે ઈશ્વરને જ પછી કેદ કર્યો.
પોતાને અનુકુળ એવો અર્થ કરીને
ધર્મના મુળભુત અર્થને જ બદલ્યો
ધર્મના જુદા જુદા વાડા રચીને
ધર્મને નામે અંદરો અંદર ઝઘડ્યો
મનવાંછિત સઘળાભોગો ભોગવવા
વેદ ઉપનિષદની સારી આજ્ઞાઓ ભૂલ્યો
મંદિરને જ એણે બનાવ્યું માર્કેટ
ને ઈશ્વરને લાંચ રૂપી પ્રસાદ ધર્યો
છે જેની પાસે જગ આખાનો ખજાનો
તેને ભીખારીની જેમ જ ઉભો રાખ્યો
સુખ મેળવવા લાઈનમાં ઉભેલા લોકોએ
માગી માગીને એને થકવી નાખ્યો
જોઈએ ના કોઈ પાસેથી તેને જશ
છે માત્ર એ કેવળ ભાવ નો ભૂખ્યો..