ભ્રષ્ટાચાર દેશમાં દિવસેને દિવસે વધી રહ્યો છે. સિસ્ટમમાં ભ્રષ્ટાચાર નામનો સડો એ રીતે પેઠો છે કે તેનો જડમૂડથી નાશ કરવો જાણે અસંભવ લાગે છે.. કરપ્શન આજકાલ એકદમ નોર્મલ થઈ ગયું હોય તેવું લાગે.. જ્યારે કોઈ ઈમારત બનાવી હોય, બ્રિજ બનાવાનો હોય ત્યારે તેની ગુણવત્તા કરતા આપણને કેટલા પૈસા મળશે તેના વિચાર લોકો વધારે કરે છે.. વર્ષો સુધી આ વસ્તુ ચાલશે તેવી વાતો કરવામાં આવે છે પરંતુ માત્ર થોડા જ મહિનાઓની અંદર તે વસ્તુ ખરાબ થઈ જાય છે. પોતાના ખિસ્સા ભરવાના ચક્કરમાં ભ્રષ્ટાચારીઓ દેશને બરબાદ કરી રહ્યા છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે કૃષ્ણ દવેની રચના જેમાં તેમણે ભ્રષ્ટાચારને લઈ વાત કરી છે..
તમને જરૂર છે ટેકાની ભાઇ મારા
અમને જરૂર છે કેશની (રોકડા ની) !
હાલો પથ્થારી ફેરવીએ દેશની !
છ મહિના હાલે તો ગંગાજી નાહ્યા
આ વર્ષોની વાર્તાયું મેલો
સાત પેઢી નિરાંતે બેસીને ખાય
બસ એટલો જ ભરવો છે થેલો
દો’વા દે ત્યાં લગી જ
આરતીયું ઊતરે છે
કાળી ડિબાંગ આ ભેંશની
હાલો પથ્થારી ફેરવીએ દેશની !
ફાઇલોના પારેવા ઘૂં ઘૂં કરે છે
હવે ચોકમાં દાણા તો નાખો
ગમ્મે તે કામ કરો
અમને ક્યાં વાંધો છે ?
પણ આપણા પચાસ ટકા રાખો
ચૂલે બળેલ કૈંક ડોશીયુંનાં નામ પર
આપી દ્યો એજન્સી ગેસની
હાલો પથ્થારી ફેરવીએ દેશની !
દેકારા, પડકારા, હોબાળા, રોજેરોજ
વાગે છે નીત નવાં ઢોલ
જેને જે સોંપાશે એવો ને એવો
અહીં અદ્દલ ભજવશે ઇ રોલ
નાટકની કંપનીયું – ઇર્ષ્યા કરે ને –
ભલે આપણે ત્યાં ભજવાતા વેશની
હાલો પથ્થારી ફેરવીએ દેશની !
- કૃષ્ણ દવે