સાહિત્યના સમીપમાં આજે કૃષ્ણ દવેની રચના પ્રસ્તુત કરવી છે જેમાં માણસ કેટલો બદલાઈ ગયો છે તેની વાત કરી રહ્યા છે. એક સમય હતો જ્યારે માણસોને વરસાદમાં ભીંજાવું ગમતું હતું. વરસાદ આવે તો પલળવા માટે લોકો બહાર જતા હતા પરંતુ હવે તો માણસને ભીંજાવું નથી ગમતું. બાળક જેમ વરસાદની મજા લે છે તેમ મોટા થયા પછી માણસ વરસાદને માણવાનું છોડી દેતો હોય છે. ત્યારે વાદળ આ રચનામાં માણસને ફરિયાદ કરી રહ્યા છે કે કોઈદી આપશ્રી ક્યાં ભીંજાવ છો...
વાંદળાને કીધું કે વરસ્યા વિનાના...
છેવટ કંટાળી મેં વાદળાંને કીધું કે વરસ્યા વિનાના શું જાવ છો !
વાદળ કહે કે ભાઈ વરસી તો પડીએ પણ આપશ્રી ક્યાં કોઈદી ભીંજાવ છો ?
મેં કીધું શું ક્યો છો ? ગ્યા વરસે ક્યાં રયો તો છત્રી ઉઘાડવાનો વેત ?
વાદળ ક્યે, રહેવા દ્યો પલળી જે જાય ઈ તો અંદરથી ઉગાડે હેત,
વરસી વરસીને અમે થાકી ગયાને તોય તમે ક્યાં લીલાછમૂ થાવ છો ?
આપશ્રી ક્યાં….
મેં કીધું આ રીતે શું કામે નાખો છો માણસની જાત માથે આળ ?
વાદળ ક્યેાલ મને તારામાં ગોતી દે એકાદી લીલીછમૂ ડાળ ?
મૂળનું તો સરનામું મળતું નથી ને પાછા કૂંપળનાં ગીતો શું ગાવ છો ?
આપશ્રી ક્યાં….
મેં કીધું આ રીતે તરસ્યે મારીને તમે સારું તો કરતાં નથી જ,
વાદળ કયે બસ ભાઈ આ રીતે અમને પણ થોડીક ચડી ગઈ છે ખીજ.
અબઘડીએ ધોધમાર વરસી પડું છું, બોલો બાળકની જેમ તમે ન્હાવ છો ?
આપશ્રી ક્યાં….