કોઈના દિલમાં આપણું સ્થાન હોવું તે સારી વાત છે પરંતુ કોઈની પ્રાર્થનામાં આપણું સ્થાન હોવું તે થોડી જુદી વાત છે.. આપણા માટે કોઈ બીજો પ્રાર્થના કરે તેનાથી મોટી વાત બીજી હોઈ જ ના શકે.. એકબીજાના જીવનમાં રોશની થાય તેવી આશા રાખીએ.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ખલીલ ધનતેજવીની રચના...
જેટલી ફૂલોમાં રંગત છે, બધી તમને મળે,
ફૂલની માફક મહેકતી જિંદગી તમને મળે!
યાદ જ્યારે પણ તમે આવ્યાં, દુવા માગી છે મેં,
જે મારી કિસ્મતમાં છે એ પણ ખુશી તમને મળે!
એ રીતે મોસમ તમારું ધ્યાન રાખે દર વખત,
ક્યાંય પણ કૂંપળ ફૂટે ને તાજગી તમને મળે!
મેં તમારા માટે એવી પણ કરી છત પર જગ્યા,
ચાંદ મારી પાસે આવે ચાંદની તમને મળે
આપણે બંને પરસ્પર એવી ઇચ્છા રાખીએ,
દીવો મારા ઘરમાં સળગે રોશની તમને મળે!
જો તમારા પર ખુદાની મહેરબાની હોય તો,
એક ક્ષણ માગો અને આખી સદી તમને મળે!
એની સખીઓ જીદ કરે છે કે અમે પણ આવશું.
જો તમે ઇચ્છો ખલીલ એ એકલી તમને મળે!
– ખલીલ ધનતેજવી