બેરોજગારી, ભ્રષ્ટાચાર જેવા શબ્દો હવે સામાન્ય બની ગયા છે. અનેક યુવાનો છે જે બેરોજગારીનો સામનો કરી રહ્યા હશે. ભણતર હશે પરંતુ નોકરી નહીં મળતી હોય. અનેક લોકો હશે જે ભૂખ્યા હશે, અનેક બાળકો હશે જેમને બે ટાઈમ જમવાનું પણ નસીબ નહીં થતું હોય. ત્યારે સાહિત્યની સમીપમાં આજે જુગલ દરજીની રચના પ્રસ્તૂત કરવી છે.
જુગલ દરજીની છે આ રચના
જે રચના પ્રસ્તુત કરવામાં આવી છે તેમાં કવિ કયા વિષયો પર નથી લખી શકતો તેની વાત કરવાાં આવી છે. કવિના હાથ ત્યારે ધ્રુજે છે જ્યારે કવિ લૂલી સરકાર પર લખે છે, યુવા બેકાર પર જ્યારે કવિ લખે છે ત્યારે તેમનો હાથ ધ્રુજે છે તેવી વાત કવિ દ્વારા રજૂ કરવામાં આવી છે.
કવિના હાથ ધ્રુજે છે...
ખડગની ધાર પર લખતા કવિના હાથ ધ્રુજે છે,
લૂલી સરકાર પર લખતાં કવિના હાથ ધ્રુજે છે.
યુવા બેકાર પર લખતા કવિના હાથ ધ્રુજે છે
ભૂખ્યા ઘરબાર પર લખતા કવિના હાથ ધ્રુજે છે
એ સ્ત્રીઓના અલંકારો અને બસ રૂપ પર લખશે,
પણ અત્યાચાર પર લખતાં કવિના હાથ ધ્રુજે છે
કે લીલી કૂપંળો 'ને કેસરી કળીઓ હણે એવી,
ખૂલી તલવાર પર લખતાં કવિના હાથ ધ્રુજે છે.
ભલામણને ભઈબાપા કરી એવોર્ડ લીધા છે,
કે ભ્રષ્ટાચાર પર લખતાં કવિના હાથ ધ્રુજે છે...
- જુગલ દરજી