ઈશ્વર.... આ શબ્દમાં અનેક લોકો શ્રદ્ધા રાખતા હશે અને અનેક લોકો એવા પણ હશે જે આ શબ્દમાં નહીં માનતા હોય. કોઈ સમજતું હશે કે ઈશ્વર બધી જગ્યા પર વ્યાપ્ત છે તો કોઈ સમજે છે કે ઈશ્વર માત્ર મૂર્તિ પૂરતા સિમિત છે! અનેક લોકો માનતા હોય છે કે કોશિશ જ્યાં પતે છે ત્યાં જ ઈશ્વર શરૂ થાય છે. ત્યારે આજે સાહિત્યના સમીપમાં વાંચો સૌમ્ય જોષીની રચના જેમાં તેમણે ઈશ્વરની વાત કરી છે.
કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર.
ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,
તું કેવો અક્સ્માતથી સર્જાય છે ઈશ્વર.
હેઠો મૂકાશે હાથને ભેગા થશે પછી જ,
કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર.
જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,
લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર.
કે’ છે તું પેલા મંદિરે છે હાજરાહજૂર,
તું પણ શું ચકાચોંધથી અંજાય છે ઈશ્વર ?
થોડા જગતના આંસુઓ, થોડા મરીઝના શે’ર,
લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર ?
એનામાં હું ય માનતો થઈ જાઉં છું ત્યારે,
મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર.
– સૌમ્ય જોશી