ગાંધીનગરમાં દારૂબંધીનો કાયદો છે. પરંતુ તેનું પાલન માત્ર કાગળ પૂરતું સીમિત થઈ ગયું છે. હપ્તા લઈને પોલીસ દારૂના ભઠ્ઠાઓ ચાલવા દે છે તેવી વાતો પણ અનેક વખત થતી હોય છે. પોલીસને ખબર હોય છે કે દારૂ ક્યાં મળે છે તે પણ જાણકારી હોય છે પરંતુ કોઈ પગલા નથી લેવામાં આવતા. ઝેરીલો દારૂ પીને લોકો મરી જાય છે અને સરકાર મુકપ્રેક્ષક બનીને જોતી રહે છે!
ચંદ્રકાન્ત બક્ષીની રચના....
સરકાર જો ધારે તો શું ના કરાવી શકે. ઈચ્છાશક્તિ હોય તો કોઈ કામ સરકાર માટે અસંભવ નથી. ત્યારે આજે સાહિત્યના સમીપમાં ચંદ્રકાન્ત બક્ષીની રચના સરકાર પર તેમણે કટાક્ષ કર્યો છે. સરકાર શું ના કરાવી શકે છે તેની વાત ચંદ્રકાન્ત બક્ષીએ પોતાની રચનામાં કરી. સરકાર અવાજની માલિક છે.
સરકાર...
સરકારને કરોડ મોઢાં હોય છે
પણ એક આત્મા હોતો નથી
સરકાર અવાજની માલિક છે
સરકાર વિચાર કરાવી શકે છે
સરકાર લેખકને લખાવી શકે છે
જાદૂગરને રડાવી શકે છે
ચિત્રકારને ચિતરાવી શકે છે
ગાયકને ગવડાવી શકે છે
કલાકારને કળા કરાવી શકે છે
એક હાથે તાળી પડાવી શકે છે
રવિવારને સોમવાર બનાવી શકે છે
નવી પેઢીને જૂની કરી શકે છે
જૂનીને પૈસાદાર બનાવી શકે છે
પૈસા છાપી શકે છે, ઘાસ ઉગાડી શકે છે
વીજળી વેચી શકે છે
ઈતિહાસ દાટી શકે છે
અર્થને તંત્ર અને તંત્રને અર્થ આપી શકે છે
સરકારોની ભાગીદારીમાં આ પૃથ્વી ફરે છે
સમય ફરે છે, માણસ ફરે છે
યંત્ર ફરે છે, મંત્ર ફરે છે
પણ, એક દિવસ ……
એક દિવસ ગરીબની આંખ ફરે છે
અને પછી, સરકાર ફરે છે.
– ચંદ્રકાંત બક્ષી