પાણી છે તો જીવન છે... પાણી અમુલ્ય છે તેને વેડફવું ના જોઈએ. પાણીનું મૂલ્ય શું છે તેની જાણ આપણને હોવી જોઈએ પરંતુ કમનસીબે આપણામાંથી અનેક એવા હશે જે પાણીને સમજ્યા વિચાર્યા વગર વાપરી દેતા હોય છે. પાણીની કિંમત કદાચ આપણને નથી કારણ કે આપણને પાણી સરળતાથી મળી જાય છે. પરંતુ પાણીના એક બુંદની કિંમત શું છે તે એ લોકોને પૂછો જેમને પાણી મેળવવા માટે સંર્ઘર્ષ કરવો પડે છે. આજે વિશ્વ જળ દિવસ છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે અમૃત ઘાયલની રચના...
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !
ભાંભરું તોયે ભીંજવે ભાવે,
વણબોલાવ્યું દોડતું આવે
હોય ભલે ના આંખની ઓળખ,
તાણ કરીને જાય એ તાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !
જાય હિલોળા હરખે લેતું,
હેતની તાળી હેતથી દેતું.
હેત હરખની અસલી વાતું,
અસલી વાતું જાય ન નાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !
આગવી બોલી બોલતું જાયે,
પંખી જેમ કલ્લોલતું જાયે,
ગુંજતું જાયે ફૂલનું ગાણું,
વેરતું જાયે રંગની વાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !
સ્નેહનું પાણી શૂરનું પાણી,
પોતાના પ્રચંડ પૂરનું પાણી,
હસતું રમતું રણમાં દીઠું,
સત અને સિન્દૂરનું પાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !
– અમૃત ‘ઘાયલ’