આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. સામાન્ય રીતે આપણે પૂરૂષોને લઈ વાતો કરતા હોઈએ છીએ. પૂરૂષને પડતી મુશ્કેલી વિશે આપણો વાતો કરીએ છીએ, સામાન્ય રીતે આપણા ઘરોમાં પૂરૂષોનું ચાલતું હોય છે. અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે જ્યારે સ્ત્રી પોતાના માટે અવાજ ઉઠાવે છે તો તેમને બોલવા નથી દેવામાં આવતા! આપણે ત્યાં સામાન્ય રીતે માનવામાં આવે છે કે મહિલાઓનો કોઈ પોઈન્ટ ના હોય વગેરે વગેરે... પરિવારમાં સ્ત્રી એટલી બધી લીન થઈ જાય છે કે તે પોતાના અસ્તિત્વને પણ ભૂલી જાય છે. પોતે કોણ છે, તેનું પોતાનું અલગ અસ્તિત્વ પણ હોય છે તે ભૂલી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે સ્ત્રીને સમર્પિત એક રચના...
જે પાત્રમાં ઢાળો, ઢળી જશે - જળ છે સ્ત્રી
જે પાત્રમાં ઢાળો, ઢળી જશે - જળ છે સ્ત્રી,
દરેકના જીવનમાં ભળી જશે - પળ છે સ્ત્રી
જોઈએ છે તેને સ્નેહ અને સન્માન, ફક્ત
તે માટે બધાથી લડી જશે - પ્રબળ છે સ્ત્રી
છેતરાઈ ભલે જાય, જાણવા છતાં ભરોસામાં,
મનને એ તરત કળી જશે - અકળ છે સ્ત્રી
મંજિલ તેની ફક્ત હૃદયના સ્તર પર સંતોષ
પ્રેમ આપશો તો મળી જશે - સ્થળ છે સ્ત્રી
કોશિશ સતત બધાને ખુશ રાખવાની 'અખ્તર'
બધાયને જીવન ફળી જશે - સફળ છે સ્ત્રી
- અખ્તર