અનેક વખત આપણી સામે આવેલી સમસ્યા અત્યંત વિકટ બનવા લાગે છે, સમસ્યાની બહાર કેવી રીતે આવવું તેની ખબર નથી પડતી.. કયો નિર્ણય સાચો અને કયો નિર્ણય ખોટો તેની ખબર નથી પડતી. અનેક વખત એવું પણ બને કે અજાણ્યા લોકો આપણને મદદ કરે અને જાણીતા લોકો આપણી મદદ ના કરે.. સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે ગની દહીંવાલાની રચના...
બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે,
કશું અંધારમાં ઊગે, ને સૂર્યોદય થવા લાગે.
અધરના ગોખમાં બેઠાં રહે શબ્દોનાં પારેવાં,
પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે.
રહે સરખું ધબકતું ત્યાં સુધી તો આપણું હૈયું,
અને ગૂંગળાય ત્યાંથી કોઈનો આશય થવા લાગે.
હવે પીનાર કે પાનારની નૈયતને શું રડવું ?
ભરેલો જામ ફૂટે ને તરસ અક્ષય થવા લાગે !
પ્રથમ આકાર પામે લાગણી સંબંધના સ્તર પર,
ન પામે માવજત મનની તો એ સંશય થવા લાગે.
નહીં પગલાં પડે તો શી દશા થાશે વિકટ પથની ?
મુસાફરના થશે શા હાલ ! જો નિર્ભય થવા લાગે.
‘ગની’,નિર્દોષ આશય છે હૃદય સાથે ઝઘડવાનો,
કે એમાં જે વસે છે એમનો પરિચય થવા લાગે.
-ગની દહીંવાલા