અનેક વખત એવું બનતું હોય છે કે આપણે બધાનો સામનો કરી શકીએ છીએ પરંતુ પોતાનો સામનો નથી કરી શકતા. અનેક લોકો એવા હોય છે જે કંઈ નથી કરતા હોતા તો પણ થાક લાગે છે. ખાલી ખમ સમયનો સામનો નથી કરી શકતા. એકાંત દરેક લોકોને ગમે તે જરૂરી પણ નથી. અનેક લોકોને મૌન ગમે છે. મૌન રહી અનેક વખત તે લોકો બોલતા હોય છે માત્ર સમજતા આવડવું જોઈએ. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચિનુ મોદીની રચના..
સાવ ખાલી ખમ સમયનો સામનો કયાંથી ગમે ?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?
હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને,
બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?
એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ પણ,
એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?
પાંદડાં ઝાકળ વિખેળે ડાળ પણ નિર્મમ થતી,
કોઇને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?
મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને,
શેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે ?
-ચિનુ મોદી