હંમેશા સત્ય બોલવું જોઈએ તેવું આપણે કહેતા હોઈએ છીએ. નાના બાળકોને પણ શીખવાડતા હોઈએ છીએ પરંતુ જો કોઈ આપણું સત્ય આપણી સામે લાવે તો આપણને નથી ગમતું..આપણો અરીસો આપણને બતાવે તો નથી ગમતું... અનેક લોકોને એકાંતમાં રહેવું પસંદ હોય છે અને કોઈને ભીડ વધારે ગમતી હોય છે. એકાંત પણ તે સહન નથી કરી શકતા અને નથી સહન કરી શકતા ભીડ... સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચિનુ મોદીની રચના.. ક્યાંથી ગમે....
સાવ ખાલી ખમ સમયનો સામનો કયાંથી ગમે ?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?
હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને,
બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?
એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ પણ,
એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?
પાંદડાં ઝાકળ વિખેળે ડાળ પણ નિર્મમ થતી,
કોઇને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?
મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને,
શેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે ?
-ચિનુ મોદી