આપણે નાના હોઈએ છીએ ત્યારે મોટા થવાની ઉતાવળ હોય છે. મોટા થઈને સપના પૂરા કરવાની આશા હોય છે. પરંતુ જ્યારે આપણે મોટા થઈએ છીએ ત્યારે આપણે જીવનને માણવાનું ભૂલી જતા હોઈએ છીએ. જિંદગી બેરંગ થઈ ગઈ હોય તેવું લાગે છે. અનેક વખત માત્ર ફોર્માલિટી માટે લોકો સાથે વાત કરવી પડે છે અને હસવું પડે છે પરંતુ અંદરથી આપણે જિંદગીને નથી માણતા. હસવાનું જાણે આપણે ભૂલી જતા હોઈએ છીએ. જિંદગીને જીવવાનું ભૂલી જતા હોઈએ છીએ. પ્રાકૃતિક સુંદરતાને જોવાનું ભૂલી જતા હોઈએ છીએ.
મજા જિંદગી છે હસો ને હસાવો...
સાહિત્યના સમીપમાં આજે ભાનુશંકર વ્યાસની રચના પ્રસ્તુત કરવી છે જેમાં લોકોને જિંદગીમાં મજા કરવાનું કહેવામાં આવી રહ્યું છે. જીવીએ છીએ ત્યાં સુધી હસવું જોઈએ અને હસાવું જોઈએ.
મજા જિંદગી છે હસો ને હસાવો,
પ્રણયગાનના સૂર ઉરથી વહાવો.
વહી જાય તો કાળ પાછો ન આવે,
લઈ લો ને જીવન તણો સર્વ લ્હાવો.
અનીતિ ને નીતિ છે જૂઠું બધુંયે,
બધાં બંધનો એહ દૂરે ફગાવો.
જુઓ આસપાસે ચમનમાંહીં ફૂલો,
ખીલ્યાં એવી ખૂશબોને અંતર જગાવો.
ભરી છે મજા કેવી કુદરત મહીં જો,
જિગર-બીન એવું તમેયે બજાવો.
ભૂલી જાઓ દુ:ખો ને દર્દો બધાંયે,
અને પ્રેમ-મસ્તીને અંતર જગાવો.
ડરો ના, ઓ દોસ્તો! જરા મોતથીયે,
અરે મોતને પણ હસીને હસાવો.
– ભાનુશંકર વ્યાસ ’બાદરાયણ’