ચોમાસાનું આગમન રાજ્યના અનેક ભાગોમાં થઈ ચૂક્યું છે. ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક વરસાદની પ્રતિક્ષા છે. ચોમાસું જલ્દી આવે અને ગરમીથી રાહત મળે તેની રાહ લોકો જોઈ રહ્યા છે. ગુજરાતના સાહિત્યમાં વરસાદને લઈ અનેક રચનાઓ લખવામાં આવી છે. અનેક રચનાઓ છે ત્યારે તેમાની એક રચના આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ભગવતી કુમાર શર્માની.. આ ખૂબ જાણીતી રચના છે તમે અનેક વખત સાંભળી હશે..
અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!
ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.
ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!
ચાર અક્ષરના મેઘમાં છલબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!
ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!
પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!
ત્રણ અક્ષરનું માવઠું મુજ સંગ અટકળ અટકળ રમે!
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!
- ભગવતીકુમાર શર્મા