આપણું અમદાવાદ... ઐતિહાસિક ધરોહરને સાચવીને બેઠેલું આપણું અમદાવાદ... સાબરમતી નદીના કિનારે વસેલું આપણું અમદાવાદ... અહમદશાહે અમદાવાદની સ્થાપના કરી હતી. પોળો, દરવાજા માટે જાણીતું અમદાવાદ આજે હેરિટેજ સિટી બની ગયું છે. અમદાવાદ ભારતનું પ્રથમ શહેર છે જેણે યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મેળવ્યું છે. આજે અમદાવાદનો 613મો જન્મ દિવસ છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મનસુરીની રચના...
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે..
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
- આદિલ મનસુરી