ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે તેમના મૌન સાથે.. તેમને તેમની એકાંત વધારે ગમે છે. તેઓ મૌનની ભાષા બોલે છે.. શબ્દનો જેટલો મહિમા છે એટલો મહિમા મૌનનો છે.. કાર્યક્રમ પત્યા પછી કવિઓ મૌન રહી પ્રાર્થના કરતા હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના -
તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે,
મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે.
મિલનની એ ક્ષણોને વર્ણવી શકતો નથી જ્યારે
શરમભારે ઢળેલી આંખડીનું મૌન બોલે છે.
વસંતો કાન દઇને સાંભળે છે ધ્યાનથી એને,
સવારે બાગમાં જ્યારે કળીનું મૌન બોલે છે.
ગરજતાં વાદળોના ગર્વને ઓગાળી નાખે છે,
ગગનમાં જે ઘડીએ વીજળીનું મૌન બોલે છે.
ખરેખર તે ઘડી બુદ્ધિ કશું બોલી નથી શકતી,
કે જ્યારે પ્રેમની દીવાનગીનું મૌન બોલે છે.
સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઇને ‘આદિલ’,
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.
– આદિલ મન્સૂરી