હાલ વરસાદી માહોલ સમગ્ર રાજ્યમાં જામ્યો છે. વરસાદ સિઝન એવી છે જે મોટા ભાગના લોકોને પસંદ હોય છે. વરસાદની સિઝનમાં પ્રકૃતિ પણ સોળે કલાકે ખીલતી હોય છે. પહેલાના લોકોને વરસાદમાં ભીંજાવું ગમતું હતું પરંતુ હવેના લોકોને વરસાદ બહુ નથી ગમતો.. જો વરસાદમાં ભીંજાઈ જાય તો પણ તે મોઢું બગાડે.. પહેલા નાના બાળકો પણ વરસાદમાં ન્હાવા જતા હતા પરંતુ હવે વરસાદમાં રમતા જોવા નથી મળતા. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વરસાદને સમર્પિત આદિલ મનસુરીના રચના..
કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં !
મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી વરસાદમાં !
રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !
કેટલો ફિક્કો અને નિસ્તેજ છે બીમાર ચાંદ
કેટલી ઝાંખી પડી ગઈ ચાંદની વરસાદમાં !
કોઈ આવે છે ન કોઈ જાય છે સંધ્યા થતાં
કેટલી સૂની પડી ગઈ છે ગલી વરસાદમાં !
એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર,
ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં.
લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો તે છતાં
છેવટે ‘આદિલ’ હવા પલળી ગઇ વરસાદમાં.
– આદિલ મન્સૂરી