બાળકના જીવનમાં માનું સ્થાન વિશેષ રહેલું હોય છે. સંતાન બહારથી ઘરે આવે તો સૌથી પહેલા તે શોધે છે કે મા ક્યા છે? માતા પણ બાળકના ઉછેર પાછળ પોતાની જીંદગીને ખર્ચી કાઢતી હોય છે. માતાને વ્હાલનું ઝરણું કહેવામાં આવે છે. માં માટે તો આપણે ત્યાં ઘણું બધુ લખાયું છે ઘણું બધું બોલાયું છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે માને સમર્પિત રચના..
દોરંગી દુનિયામાં એક શબ્દ ગુંજતો એ ‘માં’
મારા શોણિતની સરીતા એ જ મારી ‘માં’
શૈશવમાં કાખમાં તેડી મને
મારા સ્વપ્નો સજાવતી એ જ મારી ‘માં’
ઉમરાથી આંગળીએ ઝાલી મને,
સૃષ્ટિ દેખાડતી એ જ મારી ‘માં’
પોઢણીયે પરીઓની વાર્તા કહી મને,
પલ્લુમાં પોઢાડતી એ જ મારી ‘માં’
સ્નેહના આલિંગનમાં છોડી મને,
પ્રેમપાશમાં ડૂબાડતી એ જ મારી ‘માં’
ટાઢના ઠંડા ભીના સ્પર્શે,
હૈયાની હુંફ અર્પતી એ જ મારી ‘માં’
સૂર્યના અગ્નિ સમ તાપે,
શીતળ શબ્દો વરસાવતી એ જ મારી ‘માં’
મોતી સમ પડતા વરસાદે,
તેના હૈયા હર્ષિત અશ્રુએ પલળતી એ જ મારી ‘માં’