એક તરફ ગરમીનું પ્રમાણ વધી રહ્યું તો બીજી તરફ ઝાડને કાપવામાં આવી રહ્યા છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.. પ્રદૂષણ ઘટે તે માટે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જોઈએ તેવી વાતો સાંભળી હશે.. વૃક્ષોને કારણે પ્રકૃતિનું સંતુલન જળવાઈ રહે છે.. વૃક્ષો છે તો પ્રકૃતિ છે.. વૃક્ષ આપણને છાંયડો આપે છે, ફળ આપે છે, ઓક્સિજન આપે છે વગેરે વગેરે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વૃક્ષોને સમર્પિત રચના.. આ રચનાના કવિ કોણ છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને જણાવો કમેન્ટમાં..
ઝાડ મારા છે કુળનાં દીપક,
ઝાડનું છે બહુમાન
ઝાડ થકી તો ધરતી આખી
સ્વર્ગ બની લહેરાય
ઝાડ થકી છે દિન રે મારો
ઝાડ થકી છે સાંજ
ઝાડ વિના તો ધરતી આખી
થઈ જાશે વેરાન
મકાનોની લ્હાયમાં માણસ,
ઝાડને ભૂલતો જાય
શહેર માટે જંગલ આખાં
જીવતાં ગળી જાય.
ઝાડ કાજે તો નભના ભીનાં
વાદળ ગીતો ગાય
આવાં ભોળાં વૃક્ષો ઉપર
કરવત કેમ મૂકાય
ઝાડના લીધે નદીઓ સાગર
પાણીથી રેલાય
મોર, પપીહા, કોયલ, મીઠાં
કૂંજે ઝુલા ખાય
છાંયો આપે, ઈંધણ આપે
આપે ફળનું દાન
ઝાડ તો આપણી સંસ્કૃતિના
વેદ કુરાન કહેવાય