રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. જેમ જેમ ચોમાસું આગળ વધશે તેમ તેમ પ્રકૃતિ સોળે કળાએ ખીલશે.. રંગબેરંગી ફૂલો આવશે, જમીન હરિયાળી બની જશે. વરસાદની શરૂઆત થતા જ મોરનો ટહુકો સાંભળવા મળે છે. મન મોરની જેમ ઝુમી ઉઠે છે..વરસાદના પાણી સાથે રમવાની પણ એક અલગ જ મજા છે.. ગમે તેટલું કેમ ના પલળીએ પરંતુ મન તો નથી જ ભરાતું.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વરસાદને સમર્પિત રચના. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..
કુદરતના એ સાનિધ્યની સોડમ શ્વાસમાં ભરી બસ બેસી રહેવું છે,
રંગબેરંગી ફૂલોની એ બંધ પાંખડીઓમાં બસ સમાઈ જવું છે..
વરસાદની એ પહેલી બુંદ સાથે અંતરમનથી બસ ભીજાઈ જવું છે
મેઘરાજાની સવારી આવે ત્યારે મોરની બની બસ મારે ઝુમી જવું છે
વરસાદી મોસમ અને એ મોસમમાં કુદરતના સાનિધ્યનો પાલવ પકડી.
મન મૂકીને, સંસારના દરેક દુ:ખ દર્દને ભૂલીને
જિંદગીની બધી જ યાદોને વાગોળતા રહેવું છે.
વરસાદના પાણી સાથે રમવની એક અલગ જ મજા છે સાહેબ,
તન પણ ભીંજાઈ જાય ને મન પણ
ક્યારેક આંખો ભીંજાય જાય તો કોઈને જાણ પણ ના થાયને!
બસ ત્યારે
આ વરસાદ સાથેની દોસ્તી તો મને બહુ ગમે છે,
આવે છે, ભીંજવે છે, ખુશખુશાલ કરી દે છે
વરસાદની મોસમમાં બસ મન થનગનાટ જ કરે છે
મન થાય કે બસ ભીંજાયા કરૂંને મારા ખુદના જ અસ્તિત્વમાં રાચ્યા કરૂં.