દોસ્ત.. આ માત્ર એક શબ્દ નથી લાગણી છે... જો દોસ્ત ના હોય તો જીવન અધૂરૂં લાગે છે.. જેટલું આપણે પોતાને નથી જાણતા તેના કરતા વધારે આપણા મિત્રો આપણને ઓળખતા હોય છે... માતા પિતા આપણે પંસદ નથી કરી શકતા પરંતુ આપણા મિત્ર કોણ હશે તે આપણે જાતે પસંદ કરીએ છીએ... મિત્રો આપણને જીવન જીવવાનું શિખવાડે છે... મિત્રતાના અનેક ઉદારણો આપણી સામે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રને સમર્પિત રચના...
ખભા પર હાથ મૂકીને હૈયુ હળવું કરી જાય છે,
સાચો મિત્ર મળે તો જીવનના દુખો ભુલાવી જાય છે
કેવો જ્ઞાનિ હશે! કે, હાસ્ય પાછળની વેદના જાણી જાય છે,
સંકટના સમયે આવીને એ સહારો બની જાય છે..
એવું નથી કે આંગળી પકડીને આગળ કરી જાય છે
પણ દુખના ટાણે એ બાવડુ પકડી બાથ ભરી જાય છે..
એના પ્રેમની આગળ બધુ જ વામળું બની જાય છે
દુષ્કાળની ઘડીમાં પણ એ વ્હાલ વરસાવી જાય છે
સંસારની અંદર જ્યારે મારી જગ્યા પુરાઈ જાય છે
ત્યારે પણ મિત્રના દિલમાં મને સ્થાન મળી જાય છે
જીવનમાં જ્યારે અર્જુનની જેમ હિંમત હારી જવાય છે
ત્યારે મિત્ર આવીને મહાભારતનો કેશવ બની જાય છે
મિત્ર વગરનું જીવન કાંટાળું બની જાય છે,
પણ મળે સાચો મિત્ર તો કાંટામાં પણ ફૂલ ખીલી જાય છે