રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત થઈ હતી ત્યારે તો શિયાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ. વાતાવરણનો મિજાજ પણ પ્રતિદિન બદલાઈ રહ્યો છે. રવિવારથી કમોસમી વરસાદ રાજ્યમાં વરસી રહ્યો છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાતાવરણ અનિયમિત થઈ ગયું છે કારણ કે ગમે ત્યારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં પણ માવઠાનો માર સહન કરવો પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. માવઠાની આગાહી કરાતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે કારણ કે વાતાવરણમાં કોઈ પણ ફેરફાર થાય છે તો તેની સીધી અસર ખેતી પર પડતી હોય છે.
એક સાથે ત્રણેય ઋતુનો થઈ રહ્યો છે અહેસાસ!
આવતી કાલથી ડિસેમ્બર મહિનાની શરૂઆત થવાની છે. આ સમયગાળામાં સામાન્ય રીતે કડકડતી ઠંડીનો અહેસાસ થતો હોય છે પરંતુ આ વખતે પરિસ્થિતિ અલગ છે. એક સાથે બેવડી ઋતુનો નહીં પરંતુ ત્રણેય ઋતુનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ગમે ત્યારે વરસાદ વરસી શકે છે તેવું વાતાવરણ થઈ ગયું છે. લોકોને રેઈનકોર્ટ પહેરવો કે સ્વેટર પહેરવું તે કન્ફ્યુઝન છે કારણ કે એક તરફ ઠંડીનો પણ અહેસાસ થઈ રહ્યો છે તો વરસાદને લઈ પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસો દરમિયાન કમોસમી વરસાદ વરસી શકે છે. રાજ્યના અનેક વિસ્તારો માટે માવઠાની આગાહી કરવામાં આવી છે.
આ જગ્યાઓ પર વરસી શકે છે કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર બે દિવસો દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ આવી શકે છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. દાહોદ, નર્મદા, છોટાઉદેપુરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત નવસારી, વલસાડ, તાપીમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. તો પહેલી ડિસેમ્બર માટે કરવામાં આવેલી આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં છૂટાછવાયો વરસાદ થઈ શકે છે.
અંબાલાલ કાકાએ પણ માવઠાને લઈ કરી આગાહી
તે ઉપરાંત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી પણ આવું જ કહે છે. માવઠાથી છુટકારો નહીં મળે તેવું અનુમાન અંબાલાલ કાકાએ લગાવ્યું છે. રાજ્યમાં કરા સાથે માવઠું થશે અને હાંડ થીજવતી ઠંડી પણ અનુભવાશે. રાજ્યમાં આગામી 2થી 4 ડિસેમ્બરના રોજ એક પછી એક પશ્ચિમ વિક્ષોપ આવશે. અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરતા કહ્યું કે આગામી 2થી 16 ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થશે. ગુજરાતના ખેડૂતો માટે તેમણે જણાવ્યું કે ઠંડીનું જોર વધતા કૃષિપાકોને ફાયદો થશે. ઘઉં સહિતના રવિ પાકમાં ફાયદો થશે. મહત્વનું છે કે માવઠાને લઈ કરવામાં આવેલી આગાહીને કારણે જગતના તાતની ચિંતા વધી છે. રાજ્યમાં આવેલા માવઠાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.