ગુજરાતભરમાં ફરી એક વખત શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરાયણ સમયે ઠંડીનો ચમકારો રહેશે તેવી આગાહી કરવામાં આવી હતી. જે સાચી પડતી દેખાઈ રહી છે. સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આવનાર દિવસોમાં હાડકા થીજવી નાખે તેવી ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનનો પારો નીચે આવ્યો છે ઉપરાંત ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો છે.
ઉત્તરાયણના દિવસો દરમિયાન ફૂંકાશે પવન
ઉત્તરભારતના અનેક રાજ્યોમાં પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ જોવા મળશે. તેવી સ્થિતિ હાલ દેખાઈ રહી છે. ઉત્તરાયણ દરમિયાન સારો પવન રહે તેવી ઈચ્છા પતંગ રસીયાઓ રાખતા હોય છે. આ વખતે પતંગ ચગાવતા દરમિયાન પવનનો સાથ મળી રહેશે.
ફરી એક વખત થશે કડકડતી ઠંડીનો અહેસાસ
થોડા દિવસોથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો ઓછો અનુભવાઈ રહ્યો હતો. ઓછી ઠંડીને કારણે લોકોને ઠંડીથી રાહત મળી હતી. પરંતુ રાજ્યમાં ફરી એક વખત કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ઉત્તરાયણના દિવસો દરમિયાન ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ફેબ્રુઆરી સુધી થશે ઠંડીનો અનુભવ
ઠંડીને લઈ અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. ગુજરાતમાં હજી પણ કડકડતી ઠંડીનો અનુભવ થશે. જાન્યુઆરીના અંત સુધીમાં અથવા તો ફેબ્રુઆરીના પહેલા સપ્તાહ સુધી કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે. ઉપરાંત વાદળોને કારણે તાપમાનમાં પણ ફેરફાર થઈ શકે છે.