હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એક વખત માવઠાંની આગાહી કરવામાં આવી છે. આ કારણે ખેડૂતોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, હવામાન વિભાગે ગરમીની સાથે સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતીના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આગામી 13, 14 અને 15 માર્ચ દરમિયાન વાવાઝોડાની સાથે-સાથે માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ત્રણ દિવસમાં ક્યા થશે માવઠું?
રાજ્યમાં 3 માર્ચથી 18 માર્ચ દરમિયાન તાપમાનમાં ઘટાડો જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 13 માર્ચે કચ્છ,વલસાડ, નવસારી,સુરત,તાપી,નર્મદા, દમણ, દાદરા નગર હવેલી, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા,દાહોદ, ભાવનગર, અમેરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે 14 માર્ચે દમણ, દાદરા નગર હવેલી, નવસારી, સુરત, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલીમાં કમોસમી વરસાદ પડવાનો અનુમાન છે. 15 માર્ચે દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, સુરત, વલસાડ, નવસારી, તથા કચ્છમાં પણ માવઠાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ કૃષિ પાકને નુકસાનની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં તેજ ગતિથી પવન ફુંકાશે. તેની સાથે રાજ્યમાં 18 માર્ચ સુધી કમોસમી વરસાદ પડી શકે છે. હવે જો માવઠું થશે તો ખેતરોમાં બાકી રહેલો તૈયાર રવિ પાકને ફરીથી નુકસાન થશે. માવઠાંના કારણે ઘઉં, જીરું, લસણ ડુંગળી, ચણા અને ધાણાના પાકને ફરીથી નુકસાન થવાની શક્યતા છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતોને પણ પાકની સુરક્ષા માટે આગોતરા પગલા ભરવાની સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં કેરીના પાકને પણ નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.