ઠંડીના ચમકારાનો અનુભવ રાજ્યમાં સતત થઈ રહ્યો છે. ડિસેમ્બરની શરૂઆતમાં માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો. પોતાની આંખોની સામે પાક બળી જશે તેનો ડર ખેડૂતોને સતાવી રહ્યો હતો. કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી પરંતુ તે ખોટી સાબિત થતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. આવનાર દિવસોમાં ઠંડીનો અહેસાસ વધારે થશે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે જેને કારણે તીવ્ર ઠંડીનો અનુભવ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.
હિલસ્ટેશન જેવો ગુજરાતમાં થઈ રહ્યો છે અનુભવ
ગુજરાતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 17 ડિગ્રીથી નીચે નોંધાયો છે. આવનાર દિવસોમાં આ પારો હજી પણ ગગડી શકે છે જેને કારણે ગુજરાતીઓને હાડ થીજવતી ઠંડી સહન કરવી પડશે. જેમ જેમ શિયાળો આગળ વધી રહ્યો છે તેમ તેમ તાપમાનનો પારો ગગડી રહ્યો છે. વહેલી સવારે તેમજ રાત્રે ઠંડીનો જોરદાર અનુભવ થઈ રહ્યો છે જેને કારણે લોકોને એવો અનુભવ થઈ રહ્યો છે જાણે કે તે હિલસ્ટેશન પર હોય, નાતાલના દિવસે ગુજરાતમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો નલિયાનું તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમદાવાદનું તાપમાન 16.3 ડિગ્રી પર પહોંચ્યું હતું.
આગામી દિવસોમાં કડકડતી ઠંડીનો થશે અનુભવ
દેશના અનેક ભાગોમાં ખાસકરીને ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે. ઠંડા પવન ફૂંકાવવાને કારણે તેની સીધી અસર ગુજરાતના તાપમાન પર પડી રહી છે. ગુજરાતમાં ધીરે ધીરે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનના પારામાં સતત ઘટાડો થતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં વધારે ઠંડીનો અનુભવ થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં પણ આવી ઠંડીનો અહેસાસ થતો રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગઈકાલે પડેલી ઠંડીની વાત કરીએ તો અમદાવાદમાં 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ડીસાનું તાપમાન 13.4 ડિગ્રી, જ્યારે નલિયાનું તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું હતું.
ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
તે ઉપરાંત સુરેન્દ્રનગરમાં 14.8 ડિગ્રી, રાજકોટમાં 13.6 ડિગ્રી, કેશોદમાં 15.5 ડિગ્રી નોંધાયું હતું. ભાવનગરનું તાપમાન 16.8 ડિગ્રી જ્યારે પોરબંદરનું તાપમાન 15.6 ડિગ્રી નોંધાયું છે. વડોદરાનું તાપમાન 15.2 ડિગ્રી, સુરતનું તાપમાન 17.4 ડિગ્રી નોંધાયું છે. ભુજનું તાપમાન 13.7 ડિગ્રી નોંધાયું છે. મહત્વનું છે કે આગામી દિવસોમાં ઠંડીનો પારો હજી વધારે ગગડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
માવઠાને લઈ અંબાલાલ કાકાએ કરી આ આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠાને લઈ આગાહી કરી છે. જેમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રીય થતા રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. સાથે જ રાજ્યમાં ઉત્તર ભારત તરફથી આવતા પવનોના લીધે ઠંડીમાં વધારો થતા તાપમાન પણ નીચું જશે. ઉત્તરના પવનોના કારણે ઠંડી વધશે તેમજ બર્ફીલા પવનોના કારણે જાન્યુઆરીમાં ઠંડી પડશે. તેમણે ઉમેર્યું હતું કે, અરબ સાગરમાં બની રહેલી સીસ્ટમના કારણે કમોસમી વરસાદ વરસી શકે છે. 29 ડિસેમ્બરથી હવાનું હળવું દબાણ ઉભુ થશે જેને લઈ ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો તથા કચ્છમાં કમોસમી વરસાદ થવાની સંભવાના છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે.