ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે.. અનેક વિસ્તારોમાં ભયંકર મેઘ વર્ષા થઈ રહી છે.. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે મેઘરાજાએ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી છે. સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ નોંધાઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. તે સિવાય હવામાન નિષ્ણાતો દ્વારા પણ આ અંગે આગાહી કરવામાં આવી છે.. છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરને કારણે ગુજરાતમાં વરસાદ આવી રહ્યો છે. આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ વિસ્તારોમાં આજે વરસી શકે છે વરસાદ
હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો ભરૂચ તેમજ સુરત માટે રેડ એલર્ટ આપ્યું છે જ્યારે બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાર, છોટા ઉદેપુર, રાજકોટ, અમરેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે સિવાય આવતી કાલે પણ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ ભૂક્કા બોલાવી શકે છે..
3થી 9 સપ્ટેમ્બર દરમિયાન થઈ શકે છે ભારે વરસાદ
વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે.. હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાતો દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર ત્રીજીથી નવમી સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર ગુજરાતમાં વરસાદ લાવશે અને આ લો પ્રેશર મજબૂત થઈને ડિપ્રેશનમાં પણ ફેરવાઈ શકે છે તેવી શક્યતા પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજ માટે આગાહી કરતા તેમણે કહ્યું કે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નડિયાદ વડોદરા, છોટાઉદેપુર, રાજપીપળા, દાહોદ, ગોધરામાં વરસાદ નોંધાઈ શકે છે જ્યારે ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છના રાપરમાં વરસાદની તિવ્રતા વધુ રહી છે.
શું કહે છે અંબાલાલ પટેલની આગાહી?
પરેશ ગોસ્વામી ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહીની વાત કરીએ તો 3થી 11 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં સારો વરસાદ થઈ શકે છે. 6થી 11 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ ભારોમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં આ તારીખો દરમિયાન સારો વરસાદ નોંધાઈ શકે છે. તેમની આગાહી અનુસાર રાજ્યની અનેક નદીઓમાં પૂર આવી શકે છે. જળસ્તરમાં વધારો થઈ શકે છે. અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો..