સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઠંડીનો અહેસાસ થતો હોય છે. આખા ડિસેમ્બરમાં ઠંડીનો ચમકારો રહેતો હોય છે. પરંતુ આ વખતે શિયાળામાં કમોસમી વરસાદ આવ્યો છે જેને કારણે ઠંડીનો અહેસાસ ધીરે ધીરે થવાનો શરૂ થયો હતો. શિયાળાનો અનુભવ થવાનો શરૂ થયો હતો ત્યારે તો અંબાલાલ કાકાએ માવઠાની આગાહી કરી છે. આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.
ઠંડીની જગ્યાએ આવી શકે છે મુસીબતનું માવઠું
વાતાવરણમાં વારંવાર પલટો આવી રહ્યો છે. કોઈ વખત ઠંડીનો અહેસાસ થાય છે તો કોઈ વખત માવઠું આવે છે અને ખેડૂતો માટે વિનાશ વેરતો જાય છે. ડિસેમ્બરની શરૂઆતમાં લાગતું હતું કે આ વખતે ઠંડી કદાચ ભૂક્કા બોલાવશે પરંતુ કમોસમી વરસાદ આવ્યો અને... માવઠાને કારણે જગતના તાતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો. એક તરફ ધીરે ધીરે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો હતો ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠાને લઈ આગાહી કરી છે. આવનાર દિવસોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવું અનુમાન કાકા દ્વારા લગાવવામાં આવ્યું છે.
અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી
અંબાલાલ કાકાની આગાહી અનુસાર જાન્યુઆરીની શરુઆતમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ અરબ સાગરમાં લો પ્રેશર બનતા તેની અસર મહારાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહેશે અને કમોસમી વરસાદ થશે. વરસાદ ક્યાં પડશે તે અંગેની વાત કરીએ તો જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે. આવી જ કંઈક આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. આગામી થોડા દિવસો અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
રાજ્યના અનેક જગ્યાઓનું તાપમાન 15 ડિગ્રીએ પહોંચ્યું હતું, અમદાવાદના તાપમાનની વાત કરીએ તો 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ડીસામાં 15.1 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 15 ડિગ્રી, સુરતમાં 19.5 ડિગ્રી પર તાપમાન પહોંચ્યું હતું. વલસાડનું મહત્તમ તાપમાન 20 જ્યારે નલિયાનું તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું છે. ભાવનગરનું તાપમાન 17.2, દ્વારકાનું તાપમાન 18.4 ડિગ્રી પર પહોંચ્યું છે. સુરેન્દ્રનગરનું તાપમાન 16.2 ડિગ્રી પર પહોંચ્યું છે. મહત્વનું છે કે જો આ વખતે વરસાદ આવશે તો ખેડૂતોને રડવાનો વારો આવવાનો છે. હવે જોવું રહ્યું કે અંબાલાલ કાકાની આગાહી સાચી સાબિત થાય છે કે નહીં.