ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.. ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે જેને કારણે અનેક શહેરો અગન ભઠ્ઠામાં ફેરવાઈ ગયા હોય તેવું લાગે છે.. હવામાન વિભાગ દ્વારા અનેક શહેરો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હીટવેવની આગાહી પણ કરાઈ હતી. આ બધા વચ્ચે અનેક શહેરોનું તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.. બુધવારે પણ અનેક વિસ્તારોનું તાપમાન 45 ડિગ્રીને આંબી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે..
ગરમીથી હમણાં નહીં મળે રાહત
ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.. ગરમીથી ક્યારે રાહત મળશે તેની રાહ જોઈ રહ્યા છે. રાજ્યના અનેક ભાગોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર નોંધાઈ ગયું છે અને આગામી દિવસોમાં પણ અનેક વિસ્તારોનું તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચી શકે છે.. હીટવેવથી રાહત મળશે તેવી શક્તાઓ આગામી ચાર પાંચ દિવસ સુધી દેખાઈ નથી રહી... ગરમીને લઈ અનેક શહેરો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..
આ વિસ્તારો માટે જાહેર કરાયું ઓરેન્જ અને યલો એલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, સાબરકાંઠા, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, સુરત, વલસાડ, આણંદ સહિતના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે યલો એલર્ટ અમરેલી, વડોદરા, મહેસાણા, બોટાદ માટે કરાઈ છે.. 25 તારીખ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે.. આ બધા વચ્ચે અનેક જગ્યાઓનું તાપમાન 45 ડિગ્રીને આંબી ચૂક્યું છે..
ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
મંગળવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું મહત્તમ તાપમાન 45.2 ડિગ્રી, ડીસાનું તાપમાન 43.0, ગાંધીનગરનું તાપમાન 45.0 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 43.9 ડિગ્રી નોંધાયું હતું જ્યારે વડોદરાનું તાપમાન 44.2 ડિગ્રી નોંધાયું હતું. સુરતનું તાપમાન 42.0 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ભુજનું તાપમાન 42.6 ડિગ્રી પર પહોંચ્યું હતું.. અમરેલીનું તાપમાન 45.0 જ્યારે ભાવનગરનું તાપમાન 43.08 ડિગ્રી પર પહોંચ્યું હતું.. રાજકોટનું તાપમાન 43.7 જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 45.4 ડિગ્રી નોંધાયું હતું.. મહુવાનું તાપમાન 41.8 જ્યારે કેશોદનું તાપમાન 42.0 ડિગ્રી નોંધાયું હતું..
ગરમીથી રક્ષણ મેળવવા કરવા જોઈએ આ ઉપાય
મહત્વનું છે કે ગરમી વધવાને કારણે લૂ લાગવાનો ડર રહેતો હોય છે.. ગરમીને કારણે અનેક લોકો બિમાર પણ પડી રહ્યા છે. હીટ સ્ટ્રોકના શિકાર લોકો થઈ રહ્યા છે.. ગરમીથી રક્ષણ મેળવવા માટે બપોરના સમયે ઘરની બહાર ના નિકળવું, વધારે પાણી પીવું, હલકો ખોરાક ખાવો જોઈએ... જો તમને ઉલ્ટી અને ચક્કર આવતા હોય તો ડોક્ટરને બતાવી દેવું જોઈએ...